ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : (હર્ષલ ખંધેડિયા)
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલાવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકના ખરેડી ગામે વરસાદી પાણીના પૂર આવ્યા છે અને આ પૂરમાં કાર તણાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
કાલાવડ પંથકમાં અગાઉ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જ સૌ પ્રથમ વખત નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી હતી ત્યારબાદ કાલાવડ પંથકના ખરેડી ગામે સતત બીજી વખત વરસાદી પાણીના ગામમાં પૂર આવ્યા છે.
ખરેડી ગામના બાપા સીતારામ ચોકમાં વરસાદી પાણીને લઈને પૂર આવ્યું છે અને આ પૂરમાં એક કાર પણ તણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ કારની અંદર પિતા પુત્ર હોવાનું સ્થાનિકોનું કહેવું છે જેને સહી સલામત બહાર કાઢી લીધા છે. અને સ્થાનિકોએ હાલ તો આ કાર ને વરસાદી પાણીમાં આવેલા પુરમાંથી કાઢવા માટે દોરડા બાંધી પ્રયાસો હાથ ધર્યા છે.