ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વિકાસયાત્રાના ચોથા દિવસે જામનગર તાલુકાના જાંબુડા ગામ ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
જાંબુડા ગામ ખાતે નવનિર્મિત ૨ પેવર બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. આંબેડકર આવાસ યોજના, માં કાર્ડ યોજનાના લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ વિભાગની ICDS શાખા તરફથી મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વિભાગ તરફથી ગામના ખેડૂતોને પાક સંરક્ષણના સાધનો આપવામાં આવ્યા હતા. જાંબુડા સરકારી શાળાની બાળાઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગ્રામજનોને પાલક માતા પિતા યોજના તેમજ આરોગ્ય વિભાગ દ્વારા નિરામય આરોગ્ય કાર્ડ જેવી વિવિધ યોજનાઓ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા આંકડા અધિકારી કામ્બરીયાભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર એસ. આર. પટેલ, સમાજ સુરક્ષા વિભાગના ઉદયભાઈ વ્યાસ, આરોગ્ય વિભાગના ડો. ભેડા, અગ્રણી નંદલાલભાઈ, પ્રવીણભાઈ, તલાટી મંત્રી મહિપતસિંહ જાડેજા, અધિકારીઓ, પદાધિકારીઓ, જાંબુડા સરકારી શાળાના વિધાર્થીઓ, આશાવર્કર બહેનો, વન વિભાગ અને સિંચાઈ વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.