ધોળા દિવસે પત્ની પર પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી, આવી છે ચકચારજનક ઘટના

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભોપાલ :

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક પતિએ ધોળા દિવસે જાહેરમાં પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આરોપી પતિની ઓળખ રઈસ ખાન તરીકે થઈ છે. આરોપી પત્નીથી એટલા માટે નારાજ હતો કારણ કે, તે તલાક ઈચ્છતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા પોતાના પતિના શંકાસ્પદ સ્વભાવ અને રોજ કરવામાં આવતી મારપીટથી થાકી ચૂકી હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક ૨૨ વર્ષની મહિલાને આગ ચાંપી દેવામાં આવી છે. તેના માથા અને શરીરના ઉપરના ભાગમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. તે મદદ માટે ચીસો પાડતી આમ-તેમ ભાગી રહી છે. રાહદારીઓએ આગ બુઝાવવા માટે ખાડાઓમાં સંગ્રહિત પાણી તેમના પર ફેંક્યું હતું. કેટલાક લોકો પોતાના ઘરમાંથી પાણીની ડોલ લઈને દોડ્યા અને તેમને બચાવી હતી. બીજી તરફ રઈસ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે અને તેની ધરપકડ બાકી છે.

રાજસ્થાનના અલીગંજ છાબડાના રહેવાસી રઈસ અને ભોપાલની મુસ્કાન ખાનના લગ્ન ૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ થયા હતા પરંતુ હવે બંનેના સબંધમાં દરાર આવી ચૂકી છે. કોતવાલીના એસપી નાગેન્દ્ર પટેરિયાએ કહ્યું કે, મુસ્કાન જ્યારે પણ પોતાના પરિવારના સદસ્યો સાથે મોબાઈલ પર વાત કરતી ત્યારે રઈશ તેના પર શંકા કરે છે અને તેની સાથે મારપીટ કરવા લાગે છે. હેરાનગતિથી કંટાળીને મુસ્કાન આ વર્ષે ૧૮ માર્ચે ભોપાલ પરત આવી અને તેની બહેન સાથે રહેવા લાગી હતી.

મુસ્કાને તલાક માટે ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને એક નવું જીવન શરૂ કરવા માટે એક કેર-ટેકર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મંગળવારે જ્યારે તે કામ પર હતી ત્યારે રઈસે તેને ફોન કર્યો અને કહ્યું કે, તેણે તલાકના કાગળો ઈમેલ કરી દીધા છે. પટેરિયાએ કહ્યું કે તેણે તેને જૂના ભોપાલના કોતવાલીમાં શેરી નંબર ૪માં એક કિયોસ્કની મુલાકાત લેવા પ્રિન્ટઆઉટ લેવા અને તેના પર સહી કરવાનું કહ્યું.

પોલીસનું કહેવું છે કે, બપોરે ૩ વાગ્યાની આસપાસ જ્યારે તે કિયોસ્ક શોધતા શેરીમાં ગઈ ત્યારે રઈસ ત્યાં તેની રાહ જાેઈ રહ્યો હતો. તેણે તેને પકડી લીધી અને તેની સાથે પાછા જવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે કથિત રીતે તેના ખિસ્સામાંથી પેટ્રોલની નાની બોટલ કાઢી તેના ચહેરા અને માથા પર છાંટી આગ ચાંપી દીધી હતી. મુસ્કાનના ચહેરા અને વાળમાં આગ લાગી જતાં તે ભાગી ગયો હતો. પીડિતાએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિક લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને તેઓએ આગ બુઝાવી અને તેને હમીદિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા. એસીપીએ કહ્યું કે, પીડિતાની ફરિયાદ પર પોલીસે હત્યાના પ્રયત્નનો કેસ નોંધ્યો છે અને રઈસની શોધ ચાલી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *