ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના નાઘેડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું હતુ જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટની સહાય અર્પણ કરાઇ હતી. ત્યારે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહેવાસી પોપટભાઈને પણ પી.એમ.જે.એ.વાય આયુષ્યમાન યોજના હેઠળ લાભો વિતરણ કરાયા હતા આ વેળાએ પોપટભાઇએ જણાવ્યું હતુ કે મને કેન્સર નામનો રોગ છે.આવા કપરા સંજોગોમાં સરકાર તરફથી મને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું છે જેથી હું મારા આ ગંભીર તથા ખર્ચાળ રોગની સારવાર એક પણ પૈસો ખર્ચ્યા વગર તદ્દન વિના મૂલ્ય લઈ રહ્યો છું. સરકાર દ્વારા અપાતા આ કાર્ડનો લાભ ગરીબો તથા જરૂરિયાતમંદ માટે ખરેખર આશીર્વાદ સમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પી.એમ.જે.એ.વાય યોજના અંતર્ગત લાભાર્થી પરિવારને રૂ.૫ લાખ સુધીનું આરોગ્ય કવચ સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.આ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ રૂ.૫ લાખ સુધીની વીનામુલ્યે સારવાર, પ્રાથમિક, સેકેન્ડરી અને ગંભીર બીમારીઓનો સમાવેશ, હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ વગેરેનો સમાવેશ કરાયો છે.આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવાના ભાડા પેટે મુસાફરીની સહાય પણ ચૂકવવામાં આવે છે.