જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. આર. પંડ્યા (જામનગર વિસ્તાર) સહિતના અતિથિ વિશેષ દ્વારા વંદે ગુજરાત રથનું ભારતીય ઋષિ પરંપરા મુજબ પૂર્ણકુંભ, ફળકુટથી તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત અને પૂજન કર્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આ રથ આગામી 15 દિવસ સુધી જામનગર શહેરના 16 વોર્ડમાં પરિભ્રમણ કરી વિકાસ યાત્રાની માહિતી શહેરીજનો સુધી પહોંચાડશે.

કાર્યક્રમની શરૂઆત દરેડ તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના અને કળશ પૂજન દ્વારા કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓને શાળાની બાળાઓ દ્વારા ઔષધીય વૃક્ષોના રોપા આપીને તેમજ કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. રાધે કલ્ચર ગ્રુપ ઓફ જામનગરની બાળાઓએ ‘વાગ્યો રે ઢોલ’ ગીત પર સુંદર લોકનૃત્ય પણ રજૂ કર્યું હતું.

કાર્યક્રમમાં મહેમાન તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. ગ્રામ્યવિસ્તારોથી માંડી શહેરી ગરીબો માટે ગુજરાત સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ ઘડી છે. ગુજરાતમાં વિકાસની આ યાત્રા અવિરત વહેતી રહી છે. આપણા જિલ્લાના ધુળસીયા ગામથી ‘વંદે ગુજરાત રથયાત્રા’ નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાને 2 રથ મળ્યા છે. સરકારની તમામ યોજનાઓનો વધુ નેગ્રામજનો લાભ લે તેવી અપીલ પણ કરી હતી.

કાર્યક્રમમાં અન્ય મહેમાન અધિક્ષક ઈજનેર બી. આર. પંડ્યાએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી માટે સરકારે આજે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. છેવાડાના માણસો સુધી આ તમામ યોજનાઓની માહિતી તેમજ લાભ પહોંચે તેવી સરકારની નેમ છે. તેમણે બાળાઓને તેમના સુંદર નૃત્ય પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈએ રાધે ક્લચર ગ્રુપ ઓફ જામનગરની બાળાઓને 1600 રૂ. નો પુરસ્કાર પણ અર્પણ કર્યો હતો.

કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાય ચૂકવવામાં આવી હતી. મંચસ્થ મહેમાનઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, વહાલી દીકરી યોજના, કુંવરબાઈનું મામેરું યોજના જેવી વગેરે યોજનાઓના અનેક લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. આર. પંડ્યા (જામનગર વિસ્તાર), દરેડ ગામના સરપંચ બાબુલાલભાઈ સુદાણી, દરેડ ગામના ઉપસરપંચ જેન્તીભાઇ દુધાગરા, પીજીવીસીએલ નાયબ ઈજનેર આશિષભાઇ ત્રિવેદી, દરેડ તાલુકા શાળા આચાર્ય હસમુખભાઈ સોરઠીયા, મામતભાઈ, મસીતીયા ગામના ઉપસરપંચસ , માણસુરભાઈ, અધિકારીઓ, પદાધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનઓ, સખી વેન સ્ટોપ સેન્ટર, આંગણવાડીના કાર્યકર્તાઓ, હેલ્થ વર્કરો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સફળપણે સંચાલન શાળાના શિક્ષક વિરલભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના વરિષ્ઠ શિક્ષક નાથાભાઈ કરમુરે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *