ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના ગાંધીનગર એસ. ટી. પી. પાસે ૧૭ એકરની જગ્યામાં નિર્માણ પામેલ ગુજરાતના સૌપ્રથમ પી.પી.પી બેઇઝ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટની દૈનિક ૪૫૦ મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્તપન કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટેના આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જેને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્રમાણિત પ્લેટિનમ રેટિંગનો પ્રી-સર્ટિફિકેટનો દરજ્જો પણ મળેલ છે. અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે કુલિંગ ટાવરની બદલે મિસ્ટ કુલિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્લાન્ટમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેકેન્ડરી ટ્રીટેડ પાણીમાંથી દૈનિક ૧૦ લાખ લિટર પાણીને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થનાર વીજળી જેટકો ગ્રીડમાં આપવામાં આવશે તેમજ ગુજરાતની વીજળી ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે. આ પ્લાન્ટમાં પ્રકૃતિની અનુભૂતિ કરાવતા અતિ સુંદર કલ્પવૃક્ષ વાટિકા, લોટસ પેડ જેવા અતિ સુંદર વૃક્ષોનું પણ વવાતેર કરવામાં આવ્યું છે. ઉપરાંત શહેરની શાળાઓના વિધ્યાર્થીઓ માટે ૬૦ મીટર બાય ૧૧૦ મીટરની સાઈઝનું વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી શહેરની આસપાસના તાલુકાઓના સોલીડ વેસ્ટને પણ વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરી તેમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.