યુગલના વિડિયો બનાવી તોડબજી કરતા બે શખ્સોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગરમાં હરવા ફરવા લાયક સ્થળો પર યુગલોને એક સાથે જોઈને લેભાગ તત્વો દ્વારા મોબાઈલથી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને આ વિડીયો ડીલીટ કરવાના નામે પૈસા માગી તોડ કરવામાં આવતો હતો. આ સમગ્ર મુદ્દે વેલીડીટી પૂર્ણ થયેલા હોમગાર્ડ અને પત્રકારના કાર્ડ સાથેના બે શખ્સોને જામનગરમાં સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે અને આ શખ્સો દ્વારા કેટલા લોકો પાસેથી તોડ કરવામાં આવ્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્રકાર તરીકે ઓળખ આપી જામનગર જિલ્લાના પર્યટન સ્થળો પર ફરવા ગયેલ યુગલોના વિડીયો ઉતારી વાઇરલ કરવાનો ભય બતાવી હોમગાર્ડ તેમજ પત્રકારના એક્સપાયર્ડ થયેલા આઈડી કાર્ડ બતાવી યુગલોને બ્લેકમેઇલ કરી વિડીયો વાઇરલ ન કરવા અને ડિલીટ કરવાના નામે નાગરીકો પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવતા હતા.

જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલ દ્વારા સાયબર ક્રાઇમના પો.ઇન્સ. પી.પી.ઝા ને ઓનલાઇન વિડીયો વાઇરલ કરવાનો ભય બતાવી બ્લેકમઈલ કરી તોડ કરતાં આરોપીઓને પકડી પાડવા સુચના આપતા જ સાયબર ક્રાઇમના પો.ઇન્પેક્ટર અને સાયબર ક્રાઇમ સ્ટાફ ની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં હતી. તે દરમ્યાન 2,જુલાઈ, 2022ના રોજ લાખાબાવળ જામનગર પાસે ઓનલાઇન વિડીયો વાઇરલ કરવાનો ભય બતાવી બ્લેકમઈલ કરવાનો બનાવ બન્યો હતો. તે અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી ફરિયાદી તેમજ તેની મહિલા મિત્રનો વિડીયો ઉતારીને વિડીયો વાયરલ કરી સામાજિક બદનામ કરવાની ધમકી આપી વિડીયો વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસે દોઢ લાખ રૂપિયા ની માંગણી કરી હતી.

બાદમાં યુગલ પાસેથી ઓનલાઈન ગૂગલ – પેના માધ્યમથી 20હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેથી આવા ગુન્હા આચરતા આરોપીઓને પકડી પાડવા ઇન્ચાર્જ DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમના પો.ઇન્સ. સાયબર ક્રાઇમ સ્ટાફ ની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં હતી .આ દરમ્યાન સાયબરક્રાઇમ પો.સ્ટે.ના હે.કોન્સ . કુલદીપસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમી મળતા ફરીયાદ થયેલા બે શખ્સો લાલપુર બાયપાસ ચોકડી નજીક જયુપીટર વાહન સાથે હતા. જેથી પંચબી ડી.વી પો.સ્ટે.ના હે.કો નિર્મલસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાની મદદથી સાયબર ક્રાઇમ પો ના હે.કોન્સ કુલદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેશભાઈ વાનાણી દ્વારા પકડી પાડી તોડબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં જામનગર સાઇબર ક્રાઈમ પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના આંબેડકર વાસમાં રહેતા 9 ધોરણ ભણેલા પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર નામના શખ્સ કે, જે પોતાની જાતને પત્રકાર તરીકે દેખાડી તોડબાજી કરતો હતો. આ પ્રવીણ પરમાર ઉપરાંત ખંભાળિયાના મોટા માંઢાના 6 ધોરણ ભણેલા પ્રકાશભાઈ વાલજીભાઈ ચાવડાને જામનગરના લાલપુર બાયપાસ નજીકથી પસાર થતા હતા ત્યારે દબોચી લઈ તેના કબજા માંથી એક ટેબ્લેટ, ત્રણ નંગ મોબાઈલ, એક્સ્ટ્રા સીમકાર્ડ, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, ડેબિટ કાર્ડ ઉપરાંત જુદા જુદા આઈ. ડી. કાર્ડ, આંબેડકર દર્પણ લખેલું માઈક અને જ્યુપીટર ગાડી તેમજ રોકડા રૂપિયા 1930ની મતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા દ્વારા આગળ ની તપાસ ચાલુ છે .આ વ્યક્તિઓ દ્વારા અન્ય કોઈ નાગરીકો સાથે આ પ્રકારના ખોટા તોડ કરવામાં આવ્યા હોય તો તેવા ભોગબનનાર જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે.