ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક :
બર્મિંઘમના એજબસ્ટન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતે 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી પાર પાડી દીધો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડે તેનો સર્વોચ્ચ રન ચેઝ નોંધાવ્યો છે. જ્યારે ભારતીય ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપીને પણ પ્રથમ વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ રહી કે પ્રથમ બે દિવસ સુધી ભારતીય ટીમે મેચ પર દબદબો બનાવી રાખ્યો હતો તેમ છતાં તે મેચ જીતી શક્યું નહીં. પ્રથમ દાવમાં 416 રન નોંધાવ્યા બાદ ભારતીય ટીમ બીજા દાવમાં 245 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ પરાજય બાદ ટીમના પ્રદર્શનનું એનાલિસિસ કરવામાં આવતાં ટીમના પરાજય માટે પાંચ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને જવાબદાર ગણી શકાય છે.ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં ભારતનો સાત વિકેટે પરાજય, સીરિઝ 2-2થી ડ્રો રહી, ભારતે આપેલા 378 રનના લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો છે,
વિરાટ કોહલીનો ફ્લોપ શો યથાવત
ભારતના મેચ વિનર ખેલાડી તરીકે જાણીતા વિરાટ કોહલીનો રનનો દુષ્કાળ ક્યારે સમાપ્ત થશે તેને લઈને ક્રિકેટ પંડિતો અને ક્રિકેટપ્રેમીઓ ચિંતિત છે. સતત બે વર્ષથી કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ઈંગ્લેન્ડમાં તે ફોર્મ પરત મેળવી લેશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ આ વખતે પણ તેણે નિરાશ કર્યા. બંને ઈનિંગ્સમાં તે ફ્લોપ રહ્યો. પ્રથમ દાવમાં તેણે 11 રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં 20 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. હવે ટીમમાં તેના સ્થાનને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
મોહમ્મદ સિરાજે પણ નિરાશ કર્યા
ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારતના ઐતિહાસિક વિજયમાં મહત્વનું યોગદાન આપનારા સિરાજ પાસેથી ઈંગ્લેન્ડમાં પણ આવા જ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી હતી. તેણે પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપી હતી પરંતુ બીજા દાવમાં તે નિષ્ફળ રહ્યો હતો. બીજા દાવમાં તેણે 11.4 ઓવર કરી હતી અને તેમાં તેણે 66 રન આપી દીધા હતા. એટલે કે તેણે પ્રત્યેક ઓવરમાં છ જેટલા રન આપ્યા હતા. તેણે કુલ 15 ઓવરમાં 98 રન આપી દીધા હતા.
શુભમન ગિલ ન અપાવી શક્યો સારું ઓપનિંગ
શુભમન ગિલના ખભે ઓપનિંગની જવાબદારી હતી પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યો. બંને ઈનિંગ્સમાં તે જે રીતે આઉટ થયો તે જોતાં તેણે પોતાની બેટિંગ ટેકનિકમાં સુધારો લાવવાની જરૂર છે. બંને ઈનિંગ્સમાં તે ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને અડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તે સ્લિપમાં કેચ આપી બેઠો હતો. પ્રથમ દાવમાં તેણે 17 રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં તે ચાર રન નોંધાવીને આઉટ થયો હતો.
અપેક્ષા પર ખરો ન ઉતર્યો શ્રેયસ ઐય્યર
મિડલ ઓર્ડરમાં ભારત મજબૂત બેટર શોધી રહ્યું છે અને શ્રેયસ ઐય્યરને તક આપવામાં આવી છે. જોકે, ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું ન હતું. સુરેશ રૈનાની જેમ શ્રેયસ ઐય્યર પણ ઉછળીને આવતા બોલ વિરુદ્ધ સારી રીતે રમી શકતો નથી અને હવે આ નબળાઈ જગજાહેર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે બંને ઈનિંગ્સમાં ઐય્યર સામે આ જ રણનીતિ સાથે બોલિંગ કરી હતી અને બંને વખત તે એવી જ રીતે આઉટ થયો હતો. પ્રથમ દાવમાં તેણે 15 રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં તેણે 19 રન નોંધાવ્યા હતા.
બોલિંગ અને બેટિંગ બંનેમાં શાર્દુલ ઠાકુર નિષ્ફળ રહ્યો
ભારતીય ટીમમાં ઝડપી બોલર તરીકે ઉમેશ યાદવ હતો પરંતુ મજબૂત બેટિંગ હોવાના કારણે શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી. આ સીરિઝની ચોથી ટેસ્ટના બંને દાવમાં તેણે અડધી સદી ફટકારી હતી. જોકે, આ મેચમાં તેણે એક અને ચાર રન નોંધાવ્યા હતા. પ્રથમ દાવમાં તેણે સાત ઓવરમાં 48 રન આપ્યા હતા અને એક જ વિકેટ ઝડપી શક્યો હતો. બીજા દાવમાં તેણે 11 ઓવરમાં 65 રન આપ્યા હતા.