ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા :
આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા તાલુકાના ધરમપુરની આંબાવાડી શાળા ખાતેથી તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરમપુરની આંબાવાડી શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભવોનું તુલસીના છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. સરકારની વિકાસ યાત્રા અને વિવિધ યોજનાની માહિતી દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા બે દાયકામાં ગુજરાતનો અનેરો વિકાસ થયો છે.
વધુમાં પૂર્વ ચેરમેનએ આજે ધરમપુર ગામમાં ૬૭.૫૧ લાખના ખર્ચે થનારા વિકાસના વિવિધ ૨૧ કામોની જાહેરાત કરી હતી. તદુપરાંત ગામના વિવિધ યોજનાના ૮૭ લાભાર્થીઓને ૧૭.૪૧ લાખની સહાય આપવામાં આવી હતી. ૪૫.૪૬ લાખના ૬ કામોનું લોકાર્પણ અને ૨૨.૯૦ લાખના ખર્ચે ૮ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસના કાર્યો આવી જ રીતે અવિરત ચાલતા રહેશે. અને સરકારના વિકાસ કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્રનો પૂર્વ ચેરમેનએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત નંદાણામાં ૨૯,૨૫,૦૦૦ના ખર્ચે ૮ કામનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તેમજ ૧૦,૫૦,૦૦૦ના ખર્ચે ૩ કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. મનરેગા યોજના અંતર્ગત ૪,૪૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ પ્રાસંગીક સંબોધન કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યનો અનોખો વિકાસ થયો છે. ધરમપુર ગામમાં કાચા રોડના બદલે પાકા રસ્તાઓ બન્યા અને સૌથી મહત્વનો અને જીવન જરૂરી એવો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તમામ લોકોને નલ સે જલ દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આજે આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ કે જ્યાં ત્યાં ગંદકી નહિ ફેલાવીએ અને પાણીનો ખોટો બગાડ ના કરીએ.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળામાં યોજાયેલી નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ૩૫ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ૧૨ લોકોને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. દરેક લોકોને કોરોના રસી મળી રહે તે માટે રસીકરણ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૫ લોકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત સવારના પ્રભાતફેરી, યોગ જેવા કાર્યક્રમો યોજાયા હતા. લોકોને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, ખીમભાઈ જોગલ, સુરેશભાઈ વસરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી વી.ડી.મોરી, શૈલેસભાઈ, ભરતભાઇ તેમજ નંદાણામાં જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઇ ચાવડા, નગાભાઇ ગાધેર, સરપંચ, ટી.ડી.ઓ, તમામ લાઇન ડિપાર્ટમેન્ટ મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.